ફોટો - પ્રતિકાત્મક
વિર દેદલમલ ઉર્ફે દેદલસિંહ
આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ વૈવિધ્ય થી ભરપૂર રહેલી છે.હિન્દુ ધર્મમાં વાર-તહેવારો અને ઉત્સવો ઉજવવાની પરંપરા ઘણાં પ્રાચીન સમયથી ચાલતી આવે છે. દરેક ઉત્સવ કે તહેવાર ની પાછળ ગૂઢ રહસ્ય અથવા કોઈ આશય છુપાયેલો હોય છે.એવો એક તહેવાર એટલે મોળાકત.
કાઠીયાવાડ-સૌરાષ્ટ્ર માં આ પાંચ દિવસના તહેવાર ને મોળાકત કહે છે. ઘણી જગ્યાએ અલૂણા વ્રત પણ કહે છે. આ વ્રત દરમિયાન મીઠા વગરનું મોળું ખાવાનુ હોય છે જેને કારણે મોળાકત કે અલૂણા વ્રત કહેવામાં આવે છે. અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી હિન્દુ સમાજ ની નાની દિકરીઓ (કુંવારીકાઓ) મોળાકત નું વ્રત કરે છે અને પૂનમની રાત્રે જાગરણ કર્યા પછી સવારથી વ્રતની પૂર્ણાહુતિ થાય છે .
કુંવારીકાઓ આ વ્રત દરમિયાન દેદો કુટે છે . આ દેદો કોણ ? આ રિવાજ કઇ રીતે ચાલુ થયો હશે , તેની પાછળ શું સત્ય છૂપાયું છે ? કદાચ ઘણાં બધાં લોકો ને ખબર પણ નહીં હોય ! કુમારિકાઓ ને દેદો કૂટવા નું કારણ શું હશે એવા વિચારો ઘણાં લોકોના મનમાં આવતા હશે . આ તહેવાર મોળાકત ના વ્રત માં કુંવારિકાઓ દેદો શા સારૂ કૂટે છે, તેનો એક સત્ય ઘટનાત્મક પ્રસંગ બનેલો જાણવા મળે છે. વળી કારણ પણ એટલું સબળ છે કે તે માન્યા વિના છૂટકો નથી અને ગીતની છેલ્લી પંક્તિઓમાં તો તેનો પુરાવો આજે પણ કાઠિયાવાડના લાઠી ગામ માં મોજુદ છે. એમ ગીતમાં થી જાણવાં મળે છે. કહ્યું છે . ગીત આ પ્રમાણે છે :-
એક વખતે ચઢી આવ્યો બાદશાહ
દેશ પર લાવ લશ્કરની સાથે,
ત્રાસ વરતાવતો, ધાક બેસાડતો,
ઉતર્યો હતો સૌરાષ્ટ્ર માથે
ફોજ ને ભાળતા કાળજા કંપતા
થરથરે કંઈક મરદો મુછાળા
જબર જમદુત શા યવન જ્યાં ઉમટે,
ગડહડે નોબતુ ને નગારા ! "
કાઠિયાવાડમાં આવેલા લાઠી ગામ પાસે એક વખતે હિંદુ કુવારીકાઓ એકઠી મળીને રાસ ગરબા રમતી હતી અષાઢ માસની પૂનમની રાત્રી હતી, મધુર કંઠે ગવાતા રાસ અને ગરબા સંભળાતા હતાં. સામસામી તાળી દેતા સુંદર સુકોમળ હાથની હીરા જડિત ચુડ લિઓની ઘૂઘરીઓ રણઝણી રહી હતી એ વખતે બાદશાહ લશ્કર લઇને ત્યાંથી પસાર થયો હતો. તેણે આ દ્રશ્ય જોયું . કુવારીકાઓ ની કંકુવરણી કાયા જોઈ ચાંદની રાત્રે તેમના યૌવન પર અને રૂપ પર તેની નજર ઠરી અને તેણે પોતાના સરદારને હુકમ કર્યો :
આર્ય કુમારિકાઓ ને ઝટ
સ્વાધીન કરો
કડક ફરમાન સુલતાન છોડે.
ગરબે રમતી તમામ કુવારીકાઓ ને કિલ્લા માં પૂરી દેવામાં આવી. સરદારને તેની દેખરેખ અને ચોકી કરવાનું સોંપી બાદશાહ તેની ફોજ સાથે આગળ વધ્યો. કોટમાં કેદ થયેલી કુમારિકાઓ એ કાળો કકળાટ મચાવી મૂકયો .તેમનું આ કરુણ આક્રંદ અને હૈયાફાટ રુદન સાંભળી ને એક યુવાન જેના અંગે હજી લગ્નની પીઠી ચોળેલી હતી ,જેના હાથે હજી મીંઢોળ બંધાયો હતો, જેના હૈયામાં હજી લગ્નજીવનનો આનંદ માણવાના અરમાનો ઉછળતા હતા તેણે આ કુંવારીકાઓ ની મદદ માટેની બૂમો સાંભળી તેનું યુવાન લોહી ઉકળી ઉઠ્યું
હાથ મીંઢોળ ને અંગે પીઠી ધરી,
લગ્નનો હરખ હૈયે ભરેલો
વીર દેદલમલ દેવના દૂત .. સમો એ સ્થળે આજ આવી ચડેલો.....
આર્ય બાળાતણું કથન કાને ધર્યુ.....
પ્રજવળી વીરતા અંગઅંગે.....
અશ્વ અસવાર રણબીર દેદલમલ....
તેગ તાણી ચડ્યો વીર જંગે....
એ યુવાનનું નામ હતું દેદલમલ(દેદલ સિંહ) તેણે તેની તલવાર મ્યાનમાંથી બહાર ખેંચી અને કિલ્લા ના દરવાજે ચોકી કરતાં સરદાર સાથે તે જંગે ચડ્યાં. સરદારને અને ઘણા સૈનિકો ને મારી ને દેદલમલ પોતે પણ મરાયો . અંતે તેણે કુમારિકાઓ ને મુક્તિ અપાવી. બીજી એક લોકવાયકા પ્રમાણે દિકરીઓ ને છોડાવે છે પછી દેદલમલના લગ્ન થતાં હોય છે અને આ બધી દીકરીઓ લગ્નગીતો ગાતી હોય છે એ વખતે બાદશાહના સરદારે દગો કરી ઓચિંતો હુમલો કર્યો. આ લડાઇમાં ઘણા હુમલાખોરોને મારી દેદલમલ(દેદલ સિંહ) અને રાજપુત વિરો વિરગતિ પામ્યાં. સાથે-સાથે દેદલમલે બચાવેલી કુમારિકાઓએ વિચાર કર્યો કે આપણને બચાવનાર આપણા માટે વિરગતી પામ્યાં તો આપણે જીવી ને શું કરવું ? તમામ બાળાઓ પણ વિરના મરશિયા (જેને છાજીયા, છાતીકૂટવાનુ) ગાઈ તેની પાછળ પ્રાણ ત્યાગે છે. કવિ આ પ્રસંગને વર્ણવતા ગાય છે.
ઝાટકા ઝીંકતા, યવન ઢાળ્યા ઘણાં,
દુષ્ટ અહરાણને દંડ દીધો
આર્ય બાળાપણી પણી મુક્તિ આપ્યા
પછી પલકમાં સ્વર્ગનો પંથ લીધો
હિન્દુ કુમારિકાઓ તે દિવસથી મોળાકત ના વ્રત દરમિયાન યવનોના પંજામાંથી છોડાવનાર રાજપુત યુવાન વીર દેદલમલ ના બલિદાન ની યાદમાં છાજીયા(કૂટવું) લઈને યાદ કરે છે. છાજીયા એટલા માટે છે કે એ યુવાનના લગ્નના કોડ અધૂરા રહી ગયા, મીંઢોળ બંધો અને પીઠી ચોળેલ એ યુવાન લગ્નના માંડવે જવાને બદલે મોતને માંડવે જઈ પહોંચ્યો. આ પ્રસંગને પણ આ ગીતની છેલ્લી પંક્તિઓ સુંદર રીતે રજૂ કરે છે
આર્ય કુમારિકા ગીત ગાતી પછી
નામ દેદલ મલ વિર જાણી
ગામ લાઠી તણા ચોકમાં છે
ખડી યાદગીરી વદે લોકવાણી
ધન્ય હો ધન્ય રણવીર દેદલમલ
વિણ સ્વાર્થે ભલું કામ કીધું
એક પળવારમાં ઇન્દ્ર દરબારમાં
ઉચ્ચ કોટી તણું સ્થાન લીધું.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપણા વાર તહેવારોમાં કે રીત રિવાજોમાં કુરબાનીના આવા કેટલાય સત્ય કિસ્સાઓ છુપાયેલા હશે. કુવારીકાઓ ના મોળાકત ના વ્રત મોડર્ન યુગમાં કદાચ ભુલાઈ જશે, પણ આ વ્રત કથા પાછળ એક રાજપૂત યુવાન વીરની કુરબાની ની કથા છે તે ભૂલાશે નહીં જ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો