ITIHAAS NA AMARBINDU

happy new year2026 *  

મંગળવાર, 25 જૂન, 2019

બાબરોભૂત

રાતના લગભગ અગિયાર વાગ્યાનો સમય થાવા આવ્યો હશે. ધરતી માથે અંધકારના ઓળા ઉતરી રહ્યા છે. આભમાં તારલાઓ ટમટમી રહ્યાં છે,અને એના આછા તેજ ગાઢ અંધકારને ઉલેચવા મથી રહ્યા છે. એ ટાણે છત્રાલ ગામના વડ હેઠ એક વટેમાર્ગુ ખેહ પાથરી સૂતો હતો.એણે ઊંઘવાના ઘણાં ફાંફાં માર્યા,પણ નિદ્રાદેવીએ એનાથી રુસણા લીધા હોય એવુ લાગી રહ્યુતુ.
  "અલ્યા ઈંયા કોણ સૂતુ સ ? કીમ કોઇ બોલતુ નથ ?" એક ઘોડેઅસ્વારે હાંકલો કર્યૌ.
    મુસાફરના હાંજા ગગડી ગ્યા.ડરનો માર્યો એનો ચહેરો ફિક્કો પડી ગ્યો. "ભૈ સા'બ ,મુસાફર છું ! વખાનો માર્યો આવી ચઢ્યો છું ! ગામમાં મારે ઉતરવા સાધન નહી હોવાથી રાત આયા ગાળવી સે."
   "અમારા ગામનો એવો નિયમ સે કે કોઈ ભૂખ્યું તો ન જ સૂઈ રે ! મને લાગે સે કે તું ભૂખ્યો સે ! લે આ મિઠાઈનું પડીકું અને તું પેટ ભરીને ખા !" અસ્વારે એની પાહે જય પડીકું આપ્યું.
  મુસાફરે ખાવા ઘણા પ્રયત્ન કર્યા પણ એના ગળે કોળિયો ન ઉતર્યો. સ્વાર વડની વડવાઈએ ઘોડાની લગામ બાંધી નજીકની વાવમાંથી પાણીનો લોટો ભરી લાવ્યો.
   "બાપલા , એટલુ બધું શું દુખ સે કે અન્નપાણીની આખડી લીધી સે ! જરુર તારૂ દ:ખ ભાંગીશ માટે પેટ ઠારી તું ખા ! "સ્વારે મુસાફરનો બરડો થાબડી એને વચન આપી આશ્વાસન આપ્યું.
   "દરબાર ! આ ગામના સધીર શેઠના ત્યાં મેં મારી દીકરી પરણાવવા માટે પેટેે પાટા બાંધી પેદા કરેલ પૈસા જમે મૂક્યા સે ! પૈસા માટે ગયો તો એમને હાથ ઉંચા કર્યા. હું તો મારી દીકરીનું લગ્ન પણ લઇ ચૂક્યો સુ . પરમ દીવસે તો જાન આવશે ! હવેમારી લાજ કેવી રીતે રેવાની સે ! " એની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા.
   "તું ગભરાશ નઇ! લગનમાં કેટલા રુપિયાની જરુર પડશે ? "
"આસરે એક હજાર! "
"લે પાંચસો રુપિયા તો હાલ ગણી લે ! બાકીના હું લગ્નના દિવસે જરુર લઇ તારે ત્યાં આવીશ " અસ્વારે ચંદરમાંના અજવાળે પાંચસો રુપિયા ગણી આપ્યા.
   બાબરો જાતનો ક્ષત્રિય હતો. "તુંવાર "નામના ગામનો  એ ઠાકોર હતો. બળેવના દિવસે એની બહેન માન કુંવરબાએ ઓવારણા લઇ ભાઇને રાખડી બાંધી. ભાઇએ ખુશ થઇ એ દિવસની તમામ ઉપજ બહેનને કાપડામાં આપવાની જાહેર કરી. દેવકૃપાએ એ દિવસે વણજારાની પોઠો આવી અને રાજને એ નિમિત્તે સારી રકમ મળી. લક્ષ્મી જોઇ આ રાજવી નું ચંચળ મન બદલાઇ ગયું. અને સધીરશા કારભારીની બદસલાહથી શબ્દછળ કરી એને બોલ્યુ અબોલ્યું કર્યુ. બહેન જેવી તેવી નહોતી. એ એક પતિવ્રતા સાધ્વી સ્ત્રી હતી. જો કે એ ભાઇનું અનિષ્ટ તો ઇચ્છતી ન હતી પણ તેની આંતરડી કકળવા લાગી, અને એથી એનો ભાઇ સ્વદેહે ભૂતયોનીમાં આથડવા લાગ્યો. એણે કલોલ પાસેના છત્રાલ ગામે વાવ ઉપરના વડમાં પોતાની રહેઠાણ રાખી.
  બાબરો એ કાંઇ જેવો તેવો સાધારણ માણસ નો'તો. ઝાયણીના દિવસે એ કોરાં ધાકોડ કડકડતાં કપડા પહેરી સોનેરી હોકો લઇ રાવણામાં બેસતો અને ગામના વૃધ્ધ પુરુષો ને ભાવથી ભેટી એ રામ રામ કરતો'તો. મજાક કરવાની એને બહુ આદત હતી. ગામની ભાગોળે જાન જાય તો વરના જોડે વરનું બનાવટી રુપ લઇ એ બેસતો અને ખરો વર કોણ સે ઇ પરીક્ષા કરાવવામાં જાનડીયો તથા જાનૈયાને એ પાણી ઉતરાવતો હતો. અજવાળી રાતે ગેડી દડાની રમતની મોસમમાં એ છોકરાનું રુપ ધારણ કરી ને આવતો અને ભેરુઓ ને હંફાવતો હતો.
  સધીર શેઠ એનો જૂનો કારભારી હતો. ગરીબ માણસને હેરાન કરતો જોઇ એના રોમરોમમાં ક્રોધ વ્યાપી ગયો. "આખું રાજ્ય લૂંટી આટલી લક્ષ્મી મેળવી છતાં આ ગરીબની ચામડી ચૂંથવા આદત ન છોડી . " આ પ્રમાણે વિચાર કરતાં એ દાંત પીસવા લાગ્યો. એણે પોતાના પ્રભાવથી એની તિજોરી તોડી અને આ ગરીબ માણસનું લેણું ચુકતે કર્યું. લગન વખતે એ જાતે માંડવે જઇ આ ગરીબ માણસની છોકરીનું એણે વાજતે ગાજતે પરણાવી.
  બાબરાના પરાક્રમોની તથા પરોપકારી કામોની અનેક વાર્તાઓ ગામના લોકો પાસે સાંભળવા મળતી. ગરીબોનાે રખવાળ અને અધરમીઓ ના કાળ સરખા આ વિર પુરુષની પ્રતિતિ જૂના જોગી શા  વડ હતો. હાલમાં ત્યાં વાવ છે.
સંદર્ભ- 'ઉત્તર ગુજરાતની લોકકથાઓમાંથી. 

ટિપ્પણીઓ નથી:

jay mataji jay shree ram